ભોમીયા વિના મારે ભમવા’તા ડુંગર
ઇતિહાસ અને ભૂગોળ પરસ્પર સંકળાયેલા છે એવું હવે સહુ કોઈ સ્વીકારે છે. ખરું તો ઇતિહાસ ભૂગોળનું આભૂષણ અલંકાર હોય છે. ભૂગોળની અનુકૂળતા ઐતિહાસિક ઘટનાઓને પુષ્ટી આપે છે અને તેની તરફ દુર્લક્ષ્ય કરીને ઇતિહાસ રચવાનું ઠરાવીએ તો તેમાં અપયશ મળવાની શક્યતા જ વધુ હોય છે.
ભારત એક વિશાળ દેશ છે. તે 80.4’ થી 370.7’ ઉત્તર અક્ષાંશ, રેખાંશ 680.7’, પૂર્વ રેખાંશથી 970.25 પૂર્વ રેખાંશ વચ્ચે પ્રસરેલો છે. ભારતનાં મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. દેશની ભૂ-સીમાની એકંદર 15200 કિ.મી. લંબાઈ છે. જ્યારે દરિયાનો વ્યાપ 6100 કિ.મી. જેટલો છે. આવા આ વિશાળ રાષ્ટ્રનો કેટલોક ભાગ સુજલામ્ સુફલામ્ છે જ્યારે કેટલોક નિસર્ગરમ્ય, કેટલોક ખડકાળ, કેટલોક જંગલોનો છે. અહીંની નદીઓ મંદ વહેનારી તો કેટલીક બેય કિનારે વહેનારી વેગવાન છે. ગાઢ જંગલો, રમ્ય સપાટ પ્રદેશ અને શાનદાર ડુંગરા અને ટેકરીઓને કારણે તે આલ્હાદાયક લાગે છે. સ્વાભાવિક જ ભારત એક વિશિષ્ટ સંસ્કૃતિ લઈને ઊભો છે. તેની ઉત્તર તરફ તેમજ વાયવ્ય, ઈશાન તરફની પર્વત હારમાળા અને અન્ય દિશાઓમાં સમુદ્રને કારણે તે આશિયા ખંડનાં અન્ય દેશોથી જુદો પડે છે. ભારતની દક્ષિણોત્તર લંબાઈ લગભગ 3214 કિ.મી. અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિ.મી. છે. આમ ભારતનું એકંદર ક્ષેત્રફળ 32,87,263 કિ.મી. જેટલું થાય છે. રશિયા, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝીલ અને ઑસ્ટ્રેલિયા પછી ભારતનો વિશ્વમાં સાતમો ક્રમાંક છે. ભારતનાં કેટલાક પ્રદેશ યુરોપનાં કેટલાક દેશો કરતાં મોટા છે. ભારત ગ્રેટ બ્રિટન કરતા 20 ગણો મોટો છે.
આટલા પ્રચંડ ક્ષેત્રફળનાં દેશનો ભૂ-રચનાનો વિચાર કરવો હોય તો તેના કુદરતી વૈશિષ્ટ્યનો વિભાગશઃ અભ્યાસ કરવો આવશ્યક બની રહે છે.
- 1.હિમાલય પર્વતમાળા
- 2.ગંગાની ખીણ
- 3.મધ્યભારત અને દક્ષિણનાં મેદાનો
- 4.સમુદ્ર કિનારાનાં પ્રદેશ
હિમાલય પર્વતમાળા
હિમ આચ્છાદિત ઉતુંગ પર્વતમાળાએ 2415 કિ. મી. લાંબી અને 240.325 કિ. મી. પહોળી ભારતની ઉત્તર તરફની સીમા મજબૂત અને ઓળંગી ન શકાય તેવી બનાવી છે, ભારતે કૃતજ્ઞ હોવું જોઈએ એવું નિસર્ગનું વરદાન છે. આ પર્વતમાં ગૌરીશંકર એટલે કે માઉન્ટ એવરેસ્ટ 8848 મી. શિખર દેશોદેશનાં પર્વતારોહકોને આવ્હાન આપતાં ઊભા છે. આમાં સહુથી ઉતુંગ છે, ગૌરીશંકર, કાંચનગંગા 8598 મી. નંગા પર્વત 7871 મી. અને નંદાદેવી 8126 મી. આ શિખરો પણ વિશ્વનાં ઊંચામાં ઊંચા શિખરોની હરોળમાં બેસનારા છે. આ પર્વતોનો પ્રભાવ સાહજિકપણે આપણા દેશની પરિસ્થિતિ પર પડેલો જોવા મળે છે. (1) આને કારણે જ વિદેશી આક્રમણો અટક્યા હતા તે ફક્ત ખૈબર ખીણમાંથી જ આક્રમણ કરી શક્યા. (2) આને કારણે તિબેટ પરથી વહેનારા ઠંડા અને સૂકા પવનો દેશ બહાર જ રોકાઈ જાય છે. (3) સપાટ પ્રદેશોને પાણીનો પુરવઠો કરનારી નદીઓ આને કારણે જ પાણીથી છલકાય છે. (4) વરસાદી વાદળ લઈ જતા પવનો આ પર્વતને કારણે અવરોધાય છે અને તેને કારણે દેશને વરસાદ મળે છે. તદ્દઉપરાંત હિંદકુશ પર્વતની વાયવ્ય તરફ ગંગા તેમજ ઈશાન તરફથી નાગટેકરીઓ ને કારણે ભારતને સ્વાભાવિક સીમા પ્રાપ્ત થઈ છે.
સમુદ્રસપાટીથી 2000 મી. ઉંચાઈ પરની કાશ્મીર ખીણ (128.74 કિ. મી. X 4.23 કિ.મી.) હિમાલય પર્વતમાળાનો એક નયનરમ્ય સપાટ પ્રદેશ. ભારતનું નંદનવન મનાતો આ પ્રદેશ હિમાચ્છાદિત પર્વતોની હારમાળા અને વેગીલી ઘૂઘવતી નદીઓને કારણે અહીંનું સૌંદર્ય દ્વિગુણીત થયું છે.
હિમાલયની પૂર્વે લગભગ 1525 મી. ઊંચી પર સ્થિત નેપાળ દેશ. ગંડકી નદી અહીં છે નેપાળ ગાઢ જંગલો અને કાઠમંડૂની ખીણ જેવા સ્વાભાવિક વિભાગનો પ્રદેશ. લગભગ 40.23 કિ. મી. X 22.53 કિ.મી.ની આ ખીણ ગીચ વસતિ ધરાવે છે. અહીં રાણાનું રાજ્ય હવે પૂરું થઈને હજારો વર્ષની પરંપરા હવે ખંડિત થઈ છે.
શિલોંગનાં મેદાન પૂર્વ તરફ તેને અડીને જ બ્રહ્મપુત્રાની ખીણ છે. બ્રહ્મપુત્રાનો અફાટ વિસ્તાર જોતાં તેને નદી ન કહેતાં ‘નદ’ શાથી કહેવામાં આવે છે એ સમજાય છે. આસામમાં નાગ, મણિપુર લુશાઈ ઇત્યાદિ ટેકરીઓ બ્રહ્મદેશનો આરાકાન પર્વતમાળાને સ્પર્શે છે. તે ભારતની સરહદ બની રહે છે.
આપણે ભારતીય હિમાલયને પવિત્ર માનીએ છીએ તે અધિદૈવિક ભાગ છોડીએ તો તે માટે આધિભૌતિક કારણો પણ છે એટલું જ નહીં તેની જ અંતિમ કૃતજ્ઞતા પેટે હિમાલય માટે શ્રદ્ધા નિર્માણ થઈ હોવી જોઈએ. (1) અનુલંધ્ય હિમાલય ભારત માટે વરદાન નીવડેલું અભેદ કવર છે. (2) હિમાલયની પેલે પારથી આવનારા ઝંઝાવાતી વાયરાને રોકી રાખે છે. (3) તેને કારણે મોસમી પવનો રોકાઈ જતા હોવાથી ચોમાસાનાં વરસાદનો આપણને લાભ થાય છે. અને (4) મુખ્ય એટલે મધ્ય આશિયાના ક્રૂર અને જંગલી ટોળીઓનાં આક્રમણને રોકવામાં આ જ પર્વતમાળા કારણભૂત બની રહી છે.
આ જ પર્વતનો હારમાળાનાં કારણે ઘાટ સર્જાયા અને નાના મોટા માર્ગ ઉપલબ્ધ થયા તેને કારણે ભારતને જેમ લાભ મળ્યાં તેમજ નુકશાન પણ વેઠવું પડ્યું છે. ભારતની વાયવ્ય તરફ હિંદકુશ જેવા પર્વત છે. તેમાં ખૈબર બોલન નામની કેટલીક ખીણ છે. આ ખીણને કારણે ભારતના પશ્ચિમનાં વિશ્વ સાથે સંબંધ જોડાયા. ભારતની સંસ્કૃતિ પર કેટલાક પ્રમાણમાં પ્રભાવ પાડનાર સંસ્કૃતિ પ્રવાહનો અહીંથી પ્રવેશ થયો. ત્યાંના દેશો સાથે અવરજવર શક્ય થઈ. વ્યાપારી વસ્તુઓનાં વિનિમય સાથે જ વિચારોનું પણ આદાનપ્રદાન થતું રહ્યું આ સંદર્ભે જે નુકશાન થયું તે ભારતને અનંતકાળ વેઠવું પડ્યું એવું જ થયું. કારણ ભારત પર વખતોવખત થયેલા વિદેશી આક્રમણો આ જ માર્ગે થયા. ઈરાન, ગ્રીક, શક, કુસણનાં આક્રમણો અને ક્રુર મોગલોનાં ધાડા આ માર્ગે ભારતમાં પ્રવેશ્યા.
હિમાલયની તળેટીમાં કુદરતી સંપતિ હોવાને કારણે સંશોધકોનું ત્યાં ધ્યાન આકર્ષાયું છે. ભારતીયો માટે હિમાલય અત્યંત પવિત્ર નીવડ્યો છે. કારણ અમરનાથ, કેદારનાથ, કાઠમાંડૂનાં પશુપતિનાથ ઇત્યાદિ શૈવ સ્થાનો અહીં છે. વૈષ્ણવસ્થાન બદ્રીનાથ ત્યાં જ છે. તદ્દઉપરાંત ગંગા, યમુના, સિંધૂ જેવી પવિત્ર મનાતી નદીઓનું ઉગમસ્થાન તે જ છે.